આજકાલ પેટમાં દુખાવા, ઝાડા, ચક્કર આવવા, ઊબકા ઊલટી થવાની સમય સાથે ઘણા પેશન્ટ પોતાના ફેમિલી ડોકટર ની વિઝિટ કરતા જોવા મળે છે. અરે, એક આહાર શાસ્ત્રી તરીકે મને પણ રોજના કોલ આવે કે ખોરાક માં એવા તો શું ફેરફાર કર્યા જેથી આવી સમસ્યાઓ ઊભી થઈ!?
કોરોના થી બચવા માટે મજબૂત ઇમ્યુનિટી એક મોટુ હથિયાર છે. તેથી કોરોનાકાળમાં ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓ, ઉકાળો, હોમિયોપેથીની દવાઓ અચાનકથી સૌકોઇ લેવા લાગ્યા છે. ઉકાળો, ગિલોય અને અન્ય ઇમ્યુનિટી વધારતા મસાલાઓની ડિમાન્ડ પણ વધી ગઇ છે. લોકો વિટામિન સી, ડીની કેપ્સૂલની સાથે સાથે હોમિયોપેથીની દવાઓ પણ લેવા લાગ્યાં છે. યુ-ટ્યુબ, ઇન્ટરનેટ વીડિયો અને બજારમાં આવેલા નવા-જૂના ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ કુલ મળીને તેનો ઓવરડોઝ જ છે.
આ ઇમ્યુનિટી ઓવરડોઝથી પેટનો દુખાવો, અલ્સર અને અન્ય મુશ્કેલીઓ થાય છે. તેવામાં એક હેલ્ધી ઇમ્યુનિટી ડોઝ કેવી રીતે તૈયાર થાય. એલોપેથી અને હોમિયોપેથીની દવાઓ લેવાનો કેવો પ્રોટોકોલ રાખવો, ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટના આડેધડ સેવનથી કેવી રીતે બચશો, ઉકાળો, ગિલોય, તુલસી, તજ, અને વરિયાળીના સેવનમાં કઇ વાતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. યુટ્યૂબ અથવા ઇન્ટરનેટ વીડિયોથી ઇમ્યુનિટીની સારવાર કેટલી ઘાતક સાબિત થઇ શકે છે તે વિશે આજે આપણે ચર્ચા કરીશું.
ઇમ્યુનિટી નો ઓવરડોઝ
આડેધડ માત્રામાં ઇમ્યુનિટી ડોઝ લેવાથી પેટની સમસ્યા ઉભી થઇ શકે છે. પેટમાં દુખાવો, મરડા ઉપરાંત ઉલ્ટીની ફરિયાદ થઇ શકે છે. તેનાથી અલ્સર, પેટનો દુખાવો, કબજિયાત, હાર્ટ બર્નની સમસ્યા ઉભી થઇ શકે છે. શુગર બેલેન્સ ખરાબ થવાનું જોખમ પણ રહેલુ છે. ગરમ મસાલાથી અનેક પ્રકારના છાલા પણ થઇ સકે છે. જો પાઈલ્સ ની સમસ્યા હોય, તો તેમાંથી લોહી વહી શકે છે. 8 ગ્રામથી વધુ હળદર ખાવા પર પણ મુશ્કેલી સર્જાઇ શકે છે. લુઝ મોશન, ડાયેરિયા, અલ્સરનો ખતરો રહે છે. વધુ વિટામીન-સીથી કિડની, પથરીની સમસ્યા ઉભી થઇ શકે છે. તેનાથી અન્ન નળી, લિવર, કિડનીની સમસ્યા થઇ શકે છે.
ઇમ્યુનિટી ઓવરડોઝથી કેવી રીતે બચશો
ઉકાળાને લઇને પૂરતુ ધ્યાન રાખો. ઉકાળો દિવસમાં ફક્ત એક જ વાર પીવો. ચાની જેમ ઉકાળો પીવાથી બચો.
વિટામિન સી ની ગોળીઓનું વધુ પડતું સેવન :-
મન ફાવે એટલી વિટામીન-સીની ટેબલેટ ન લો.જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી ની ગોળીઓ થી ઝાડા, ઉલ્ટી, પેટ અને માથા માં દુખાવો, ઊબકા તથા ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ને નોતરી શકે.
દિવસમાં કેટલી માત્રામાં વિટામિન-સી લેવુ જોઇએ
મહિલાઓ માટે 70MG દરરોજ પૂરતુ છે. જ્યારે પુરુષો માટે 90MG યોગ્ય માત્રા છે.
આ જ રીતે ,આયુર્વેદની દવા પોતાની મરજીથી ન લો. આયુર્વેદમાં ડોઝની માત્રા નિશ્વિત હોવી જરૂરી છે. હોમિયોપેથીની દવા પણ ડોક્ટરની સલાહથી જ લો. આંખ મીચી ને કરાયેલું કોઈપણ દવા નું સેવન મુશ્કેલી નોતરી શકે. દવા ઓ ભલે આયુર્વેદિક હોય કે હોમીયોપેથીક, દરેક વ્યક્તિ દીઠ તેની ફાવટ અને ડોઝ અલગ અલગ હોય છે. નિષ્ણાત ની સલાહ મુજબ જ તે લેવાવી જોઈએ.
આયુર્વેદનો પ્રમાણસર ડોઝ જરૂરી છે. તેમાં યોગ્ય માત્રા અને પ્રમાણસર કોમ્બિનેશન હોવુ જરૂરી છે. ડોઝ ઉંમરના હિસાબે નક્કી થાય છે. દૂધમાં હળદરની માત્રા પણ હિસાબથી જ હોવી જોઇએ. દિવસમાં ફક્ત એકવાર જ ઉકાળો પીવો. ગોળ, તજ, વરિયાળીના માત્રાનો ખ્યાલ રાખો. ગરમ મસાલાના ઓવરડોઝથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
コメント