કુદરત ની કરામત જુઓ કે ખૂબ ગરમી હોય ત્યારે પ્રકૃતિ પુષ્કળ રસ ધરાવતાં, મીઠા ફળો નું સર્જન કરે છે. આ ફળો માં સેવન થી આપને વાતાવરણ સાથે તાદાત્મ્ય સાધવામાં સરળતા રહે છે .
ઉનાળા ની બપોરે ધોમધખતા તાપ માં ઘરે આવતી વેળા એ હાથ માં લીલું છમ તરબૂચ પકડતાં આવવાનું અને પૂરા પરિવાર સાથે બેસી ને લાલ મીઠું રસ થી ભરેલું તરબૂચ ખાવું એ વર્ષો થી દરેક વર્ગ ના લોકો નો જીવન ક્રમ હતો.
પહેલા માત્ર ઘેરા લીલા રંગ ના ગોળ તરબૂચ મળતા જેની અર્ધચંદ્રાકાર સ્લાઈસ બનાવી ને ફેરિયાઓ બરફ પર મૂકતા અને રાત્રે હોપ પુલ પર આંટો મારી ને પાછા ફરતી વેળા એ ઠંડી તરબૂચ ની સ્લાઈસ ને છાલ સાથે પકડી ને ખાવાની મજા જ કંઈ ઓર હતી.
હવે તો જાત જાત ના તરબૂચ બજાર માં મળે છે અને એ દરેક ની પ્રકૃતિ પાછી અલગ અલગ. પરંતુ ગુજરાત માં વધુ પ્રમાણ માં માધુરી, વિમલ અને બ્લેક ઠંડર પ્રકાર ના તરબૂચ પકવવામાં આવે છે. જેમાં અનુક્રમે ઘેરા અને આછા લીલા પટ્ટા વાળા લંબગોળ, ઘેરા લીલા ગોળ અને ઘેરા લીલા લંબગોળ પ્રકારના તરબૂચ નો સમાવેશ થાય છે.
તો આવો ઉનાળાના વૈભવ સમા આ તરબૂચ થી સ્વાસ્થ્ય ને થતાં ફાયદાઓ સમજીએ. અને તેનામાં રહેલા પોષકતત્વો ને સમજીએ.
તરબૂચ માં રહેલા પોષકતત્વો:- ૧૦૦ ગ્રામ તરબૂચ ના માવા માં નીચે મુજબ ની માત્રામાં પોષકતત્વો રહેલા છે.
હવે આપણે તરબૂચ ખાવા થી થતાં ફાયદા ને સમજીએ:-
· ડિહાઈદ્રેશન દૂર કરે :- તરબૂચ ૯૨% પાણી ધરાવે છે . એથી જ અરબસ્તાન જેવા ગરમ દેશો નું આ ફળ છે જે ગરમી ના પ્રકોપ થી સુકાઈ જતા કોષો ને ભીનાશ આપે છે. પૂરતા પ્રમાણ માં પાણી હોવાને કારણે તરબૂચ ખાધા બાદ લોહી ની પ્રવાહિતા વધે છે અને શરીર ના વિવિધ અંગો તેમના કાર્યો યોગ્ય રીતે કરી શકે છે. વળી, પૂરતા પ્રમાણ માં પાણી હોય તો ચેતાતંત્ર પણ યોગ્ય રીતે કરું કરી શકે અને પરિણામે મગજ ના કોષો સક્રિય રહે.
· વજન ઉતારવા માં સરળતા રહે :- તરબૂચ માં રહેલા ફ્રૂકટોઝ ,રેષા અને પાણી તેને ખાનાર ના પેટ ને ભરેલું રાખે છે અને જેથી ભૂખ ઓછી લાગે છે. વ્યક્તિ ની જંક ફૂડ ખાવાની ઈચ્છા ઘટે છે. અને આમ વ્યક્તિ વગર કારણે કેલરી ઠાલવતો અટકે છે અને પરિણામે વજન ઉતરે છે.
· કસરત કરવા માટે એનર્જી આપે:- તરબૂચ ‘ સિટ્રુલીન ‘ નામનો એમિનો એસિડ સારી માત્રા માં ધરાવે છે. આ એમિનો એસિડ નું સેવન કસરત કર્યા પહેલા કરવા માં આવે, તો વ્યક્તિ કસરત માટે પુષ્કળ માત્રા માં એનર્જી મેળવી શકે છે. આથી , કસરત કરવા પહેલા તરબૂચ આરોગવાની સલાહ આપવા માં આવે છે.
· એન્ટી ઓક્સિડન્ટ નો ખજાનો :- તરબૂચ એ વિટામિન સી, કેરેટીનોડ અને લાઈકોપીન જેવા એન્ટિ ઓક્સિડન્ટ સારા પ્રમાણ માં ધરાવે છે જે ધમનીઓ ને પડતા ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને ઘટાડે છે અને લોહી નુંસરાળતા થી શુદ્ધિકરણ કરે છે.
· કેન્સર સામે રક્ષણ :- તરબૂચ માં રહેલ 'કરકરબિટાસિન -E ' તથા લાઈકોપીન નામના એન્ટી ઓક્સિડન્ટ કેન્સર ના કોષોના ઉત્પાદન ને અટકાવે છે. ખાસ કરી ને આંતરડા અને પ્રોસ્ટેટ ના કેન્સર ની સારવાર માં તરબૂચ મોટો ભાગ ભજવે છે.
· હૃદય ને સ્વસ્થ રાખે :- તરબૂચ ના પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદય ને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે.
· આંખો ના સ્વાસ્થ્ય માં મદદરૂપ :- તરબૂચ માં રહેલું વિટામિન એ નું ઊંચું પ્રમાણ આંખો ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
· મૂત્રાશય ને લગતા રોગો માં ફાયદાકારક:- વારંવાર પેશાબ માં થતાં ઇન્ફેક્શન માં તરબૂચ ખરેખર ફાયદાકારક છે. પુષ્કળ પાણી ધરાવતા તરબૂચ ને કારણે પેશાબ ની છૂટ સારી રહે છે અને ઇન્ફેક્શન સાફ થાય છે.
તરબૂચ કોણે ન ખાવું :-
'અતિ સર્વત્ર વર્જયેત ' :- કોઈ પણ પદાર્થ નું વધુ પડતું સેવન નુકસાન કરી શકે. આમ તો તરબૂચ એ ૯૨% પાણી જ છે પરંતુ તેમ છતાં કેટલાક વ્યક્તિઓ ને તે નુકસાન કરી શકે
1. ડાયાબિટીસ :- ૧૦૦ ગ્રામ તરબૂચ માં ૧૧ ગ્રામ જેટલી સુપાચ્ય કાર્બોહાઈડ્રેટ રહેલી છે. જો ૫૦૦-૭૦૦ ગ્રામ તરબૂચ નું સેવન એક સાથે કરી નાખવામાં આવે તો અચાનક બ્લડ શુગર વધી જાય. આથી , ડાયાબિટીસ ના દર્દીઓ એ ૧૦૦-૧૫૦ ગ્રામ થી વધુ તરબૂચ નું એકસાથે સેવન કરવું નહિ. હા, કસરત કર્યા બાદ તરત જ તરબૂચ નું સેવન કરવા માં આવે તો તે ડાયાબિટીસ ના દર્દીઓ ને ફાયદાકારક સાબિત થઈ શકે.
2. કિડની ના દર્દીઓ :- પોટેશિયમ નું ઊંચું પ્રમાણ ધરાવતું હોય તરબૂચ એ કિડની ના દર્દીઓ ને નુકસાન કરી શકે. ડોકટર ની સલાહ મુજબ જ સેવન કરવું
3. અપચા ના દર્દીઓ :- જેનું પાચન તંત્ર પહેલે થી નબળું હોય, તેવી વ્યક્તિઓ ને તરબૂચ ના વધુ પડતા સેવન થી આફરો ચડવા ની શક્યતા રહેલી છે. આવા સંજોગો માં વધુ તરબૂચ ખવાઈ જાય તો ઉપર એક ચમચી અજમો ફાકી જવો.
ટુંક માં એકસાથે ૩૦૦-૪૦૦ ગ્રામ જેટલું તરબૂચ નું સેવન એક સામાન્ય સ્વાસ્થ્ય માણસ ને માટે ખૂબ ફાયદાકારક છે.
Comments